ચમત્કાર – દુકાળમાં પણ માટેલીયા ધરામાં ક્યારેય પાણી સુકાતું નથી, શું છે આ ધરાનું રહસ્ય

ચમત્કાર – દુકાળમાં પણ માટેલીયા ધરામાં ક્યારેય પાણી સુકાતું નથી, શું છે આ ધરાનું રહસ્ય

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે મા ખોડલ અવતર્યા હતા. આશરે ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો.

તેમનો જન્મ આશરે ૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં લેઉવા પટેલ તથા ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, કારડિયા રાજપૂત સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન, અને રબારી કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે અને કુળદેવી તરીકે પુજે છે. કુળદેવીના ગામે ગામ મંદિરો આવેલા છે.

ખોડિયાર માતાજીનું માતેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે. આ ગામ વાંકાનેર થી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે. અહીં જે જુનું સ્થાનક છે, તેમાં ચાર મુર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર (સતર) ઝુમે છે. તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે. તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.

આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે. જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી. આખુ માતેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે. તેને ભાણેજિયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ(પાણી ખેંચવાનું સાધન) ધરે મંડાવ્યા હતાં.

ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં, ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું ઇંડુ જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને (પાણીનો હોંકરો)ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધેલ. આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો. આ વાતનો ઉલ્લેખ, ખોડિયાર માતાજીનાં ગળધરેથી માજી નિસર્યા ગરબામાં જોવા મળે છે. અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *