જાણો શ્રી ઝંડ હનુમાનજી મંદિર-જાંબુઘોડા મંદિર નો ઇતિહાસ…

જાણો શ્રી ઝંડ હનુમાનજી મંદિર-જાંબુઘોડા મંદિર નો ઇતિહાસ…

આ પૌરાણીક મંદિરમાં દર્શન કરવાથી નથી નડતી સાડાસતી. દક્ષિણ ગુજરાતમાં આવેલ પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા ખાતે આવેલ ઝંડ હનુમાન મંદિર ખાતે એકવાર દર્શન કરનાર ભક્તને પણ જીવનમાં ક્યારેય શનિ પનોતી નડતી નથી. આગામી 15 મે મંગળવારના રોજ હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાની અમાસ છે. આ દિવસને ન્યાયના દેવતા શનિદેવની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે. ગ્રહમંડળમાં શનિ દેવ ન્યાયાધિશ છે જેથી લોકોને તેમના કર્મની સજા પનોતી રૂપે આપે છે.

જાંબુઘોડાના જંગલો વચ્ચે આવેલ છે મહાભારત કાળનું આ મંદિર

શનિના પ્રકોપથી બચવા માટે લોકો અનેક પૂજા વિધિ કરે છે અને મંદિરોની મુલાકાત લે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના પંચમહાલ જિલ્લાનું આ હનુમાન મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરે દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે તમે પણ શનિ પનોતીથી મુક્તિ ઈચ્છતા હોવ તો મંગળવાર અથવા શનિવારના દિવસે આ મંદિરની મુલાકાત લેવી જોઈએ.

પાંડવોએ પણ કર્યો હતો અહીં વસવાટ

જાંબુઘોડાનું આ મંદિર ખૂબ પ્રાચીન હોવાના અનેક પુરાવા મળ્યા છે. આ મંદિરમાં પાંડવો પણ આવી ચૂક્યાનો ઉલ્લેખ જોવા મળે છે સાથે અહીં કેટલીક પૌરાણીક વસ્તુઓ પણ છે જે પાંડવો સાથે સંબંધ ધરાવે છે. અહીં વસવાટ દરમિયાન દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી. જેની નિશાની આજે પણ જોવા મળે છે. તો ભીમ જે ઘંટીથી દળતો હતો તે ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ જાંબુઘોડાના જંગલો પાસે આવેલ હોવાથી અહીં આવતા ભક્તોને કુદરતી સૌંદર્ય માણવાની તક પણ મળે છે.

રોમન સૈન્ય અહીં આવ્યાના મળે છે પૂરાવા

ઝંડ હનુમાન મંદિરમાં આવેલ હનુમાન દાદાની મૂર્તિ ભગ્ન અવસ્થામાં છે. તેમજ મંદિર પરિસરમાં જ શિવ મંદિર અને રેતાળ પથ્થરોમાંથી કોતરેલા ગણપતિજીની વિવિધ મુદ્રાની મૂર્તિઓ આવેલી છે. આ જગ્યાએ મળી આવેલ અન્ય મૂર્તિઓ અને રોમન તલવાર સાથે સૈનિક યોધ્ધાઓનો પાળીયા જોતા ભૂતકાળમાં આ સ્થળ અત્યંત જાહોજલાલીથી ભરપુર હશે તેવું માનવામાં આવે છે.

ઝંડ હનુમાનની અલૌકિક મૂર્તિ, હનુમાનજીના પગ નીચે શનિદેવ

અહીં હનુમાનજીના ડાબા પગ નીચે શનિ દેવની ઉપસ્થિતિ પણ એખ અલૌકીક દર્શન આપે છે. જેઓના માથે શનિની પનોતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શને કરે તો તેમની પનોતી દૂર થાય છે તેવું માનવામાં આવે છે. જેના કારણે અવાર-નવાર મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરે આવતા રહે છે.

ભીમની વિશાળકાય ઘંટી લોકોમાં છે મોટું આકર્ષણ

ઝંડ મંદિર સંકુલમાં પ્રવેશતા જ જમણી તરફ એક વિશાળ શિવ મંદિર છે. આ પૌરાણીક મંદિરનું ચણતર પાતળી ઇંટો અને ચુનાથી કરાયેલું છે. તો અન્ય એક નાનું શિવાલય ભગ્ન અવસ્થામાં હનુમાનજીના સ્થળની નીચે આવેલુ છે. જેમાં પાર્વતીજીની મૂર્તિ પણ છે. ઝંડ હનુમાનજીના સ્થળથી આગળ જતા ભીમની ઘંટી કહેવાતી જગ્યા આવે છે અહીં વિશાળકાય ઘંટી જેવા પથ્થર જેવો મળે છે. આ સ્થળે જવાના રસ્તા પર અને ભીમની ઘંટી પછી પણ અનેક ભગ્ન શિવાલય જોવા મળે છે. આ સાથે રોમન સૈનિકો અહીં આવ્યા હોવાના પુરાવા તરીકે કેટલાક પાળીયા છે જેના પર રોમન સૈનિકોના બેનમૂન ચિત્ર સાથેને અલગ જ પ્રકારના પાળિયા જોવા મળે છે.

પાસે જ ડુંગર પર છે હિંગરાજ માતાનું મંદિર

લોકવાયકા મુજબ આ સ્થળ પાસે આવેલા ડુંગરના ઉપરના ભાગે એક વિશાળ ભોંયરૂ છે જેનું પ્રવેશદ્વાર બહારથી તોડીને ભોયરાને અગમ્ય કારણસર બંધ કરી દેવામાં આવ્યું છે. તો ઝંડ હનુમાન દાદાની મૂર્તિ જે ડુંગર ઉપર છે તેની સામેના ડુંગર ઉપર હિંગરાજ માતાની મૂર્તિ તથા તેમનું મંદિર ભગ્ન અવસ્થામાં છે. અહીં આરસના પથ્થરમાંથી કોતરેલ પગલા મળી આવ્યા છે. જોકે આ સ્થળે જવા ફકત પગદંડીનો રસ્તો છે.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *